નમસ્તે મિત્રો,
Child Behavior Tips in Gujarati: એક પેરેન્ટ તરીકે આપણી સહનશક્તિ ની કસોટી ત્યારે થાય છે જ્યારે આપણું જ બાળક આપણી અવગણના કરવાનું શરૂ કરે. મારો દીકરો અત્યારે ૮ વર્ષનો છે, અને થોડા સમય પહેલા હું પણ તમારી જેમ જ પરેશાન હતી. હું તેને બોલાવું પણ એ જવાબ ન આપે, નાસ્તો આપું તો એ ખાવાની ના પાડે, સવારે ઉઠવામાં નખરા કરે અને જો હું તેને થોડું ખીજાઉં તો એ સામો જવાબ આપે.
ઘણા દિવસોના વિચાર અને મારા અનુભવ પછી મને સમજાયું કે ભૂલ બાળકની નહીં, મારી તેને હેન્ડલ કરવાની રીતની હતી. મેં ઇન્ટરનેટ પર ઘણી Child Behavior Tips in Gujarati શોધી અને પછી જે ફેરફારો કર્યા તેનાથી આજે સ્થિતિ ઘણી સારી છે. ચાલો હું તમને જણાવું કે મેં કઈ રીતે મારા બાળકને સંભાળ્યું અને કઈ ટિપ્સ મને ખરેખર કામ લાગી.

Table of Contents
૧. જ્યારે બાળક જવાબ ન આપે | Ignoring behavior
મિત્રો, ઘણીવાર એવું બને છે કે આપણે રસોડામાંથી બૂમ પાડીએ, ‘બેટા, અહીં આવ તો! પણ સામેથી કોઈ જવાબ જ ન આવે. આપણે બીજી વાર, ત્રીજી વાર બૂમ પાડીએ અને પછી આપણો પારો છટકે. આપણને લાગે કે આ છોકરો આટલો અભિમાની કેમ થઈ ગયો છે?
મેં મારા ૮ વર્ષના દીકરા પર આ પ્રયોગ કર્યો અને મને સમજાયું કે તે મને જાણી જોઈને હેરાન કરવા માટે ઇગ્નોર નથી કરતો, પણ તેના કારણો કંઈક અલગ જ હોય છે.
a. દૂરથી બૂમો પાડવાનું બંધ કરો | Stop Shouting from a Distance
આપણે રૂમની બહારથી બૂમો પાડીએ છીએ ત્યારે બાળકના મગજમાં એ અવાજ માત્ર એક ‘બેકગ્રાઉન્ડ નોઈઝ’ જેવો લાગે છે, ખાસ કરીને જ્યારે તે મોબાઈલ કે ટીવીમાં હોય. મેં નક્કી કર્યું કે હવે હું બૂમ નહીં પાડું. હું તેની પાસે જાઉં છું, તેના ખભા પર હાથ રાખું છું અને પછી વાત કરું છું. આને ‘Physical Presence’ કહેવાય છે.
b. આંખમાં આંખ મિલાવો | Eye Contact
જ્યારે બાળક તમને ઇગ્નોર કરતું હોય, ત્યારે તેની સામે નીચે બેસીને (તેના લેવલ પર આવીને) તેની આંખમાં જોઈને પૂછો, “બેટા, મેં તને બોલાવ્યો, તે સાંભળ્યું?” જ્યારે તમે આંખમાં આંખ મિલાવો છો, ત્યારે બાળક માટે ઇગ્નોર કરવું અશક્ય બની જાય છે.
c. તેને પણ સાંભળો |Be an Active Listener to Your Child
ઘણીવાર આપણે એને બોલાવીએ છીએ માત્ર ઓર્ડર આપવા માટે (લેસન કરવા બેસ, દૂધ પી લે, નાસ્તો કરી લે). એટલે બાળકને લાગે છે કે જવાબ આપીશ તો કંઈક કામ જ ચીંધશે. ક્યારેક તેને ખાલી તેની વાત સાંભળવા માટે પણ બોલાવો, જેથી તેને ગમે.
d. ટીવી અને મોબાઈલ માટે ‘સ્માર્ટ ટાઈમર’ | TV Timer Trick
સૌથી મોટી સમસ્યા એ હતી કે જ્યારે એ ટીવી જોતો હોય ત્યારે દુનિયા ભૂલી જતો. મેં તેની સાથે ઝઘડો કરવાને બદલે આ સ્માર્ટ રસ્તો અપનાવ્યો.
- ઓટોમેટિક બંધ અને પાસવર્ડ સેટિંગ: મેં ટીવીમાં ટાઈમર સેટ કર્યું છે જે મિનિટો પૂરી થતા જ ટીવી ઓટોમેટિક બંધ કરી દે છે. સૌથી મહત્વની વાત એ છે કે મેં ટીવીમાં ‘Child Lock’ (પાસવર્ડ) સેટ કરી દીધો છે. હવે હું પાસવર્ડ નાખું ત્યારે જ ટીવી ચાલુ થાય છે.
- બાળકને શું સમજાવ્યું? મેં તેને કહી દીધું કે, “બેટા, ૩૦ મિનિટ પછી ટીવી લોક થઈ જશે.
- ફાયદો: હવે જ્યારે સમય પૂરો થાય અને ટીવી બંધ થઈ જાય, ત્યારે એ મારા પર ગુસ્સો નથી કરતો કારણ કે તેને લાગે છે કે આ તો ટીવીનો નિયમ છે. મારે હવે તેને “ટીવી બંધ કર” એવી બૂમો નથી પાડવી પડતી અને એ પોતે રિમોટથી ફરી ચાલુ પણ નથી કરી શકતો.
2. શા માટે મારું બાળક મારી સામે હાથ ઉપાડે છે? | Why Does My Child Raise Their Hand Against Me?
બાળક જ્યારે સામે હાથ ઉપાડે ત્યારે કોઈપણ માતા-પિતાને આઘાત લાગે એ સ્વાભાવિક છે. પણ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ૮ વર્ષનું બાળક જ્યારે આવું કરે છે, ત્યારે તેની પાછળ ઘણાં ઊંડા કારણો હોય છે.
બાળક સામો હાથ કેમ ઉપાડે છે? (મુખ્ય કારણો)
a. ‘નકલ’ કરવી | Mirroring Behavior
આ સૌથી કડવું પણ સાચું કારણ છે. બાળકો આપણને જોઈને શીખે છે. જો આપણે ઘરના કોઈ સભ્ય પર અથવા બાળક પર ક્યારેય હાથ ઉપાડ્યો હોય, તો બાળક એવું શીખી જાય છે કે “જ્યારે કોઈ આપણી વાત ના માને અથવા આપણને ગુસ્સો આવે, ત્યારે હાથ ઉપાડવો એ સાચો રસ્તો છે.” તે હકીકતમાં તમારી જ નકલ કરી રહ્યું હોય છે.
b. શબ્દોની ઉણપ | Communication Gap
૮ વર્ષની ઉંમરે બાળકની લાગણીઓ પ્રબળ હોય છે, પણ તેને વ્યક્ત કરવા માટે તેની પાસે પૂરતા શબ્દો હોતા નથી. જ્યારે તેને બહુ જ ગુસ્સો આવે અથવા તે બહુ જ હતાશ (Frustrated) થઈ જાય અને તે પોતાની વાત સમજાવી નથી શકતું, ત્યારે તે શારીરિક પ્રતિક્રિયા આપે છે. તેના માટે મારવું એ ‘ગુસ્સો વ્યક્ત કરવાની ભાષા’ છે.
c. પોતાની તાકાતનું પ્રદર્શન | Power Struggle
૮ વર્ષનું બાળક હવે સ્વતંત્ર થવા માંગે છે. જ્યારે આપણે તેને સતત ઓર્ડર આપીએ છીએ અથવા તેની મરજી વિરુદ્ધ કંઈક કરાવીએ છીએ, ત્યારે તેને લાગે છે કે તેની આઝાદી છીનવાઈ રહી છે. સામો હાથ ઉપાડીને તે બતાવવાનો પ્રયત્ન કરે છે કે “હું હવે નાનો નથી, મારી પાસે પણ પાવર છે.”
d. તમારું ધ્યાન ખેંચવા માટે | Seeking Attention
ઘણીવાર બાળકને ખબર હોય છે કે જો એ શાંતિથી બેસશે તો મમ્મી-પપ્પા કામમાં વ્યસ્ત રહેશે, પણ જો એ સામો હાથ ઉપાડશે તો બધા કામ છોડીને તેની પાછળ પડશે. ભલે એ નકારાત્મક ધ્યાન હોય, પણ તેને એ ગમે છે કે આખું ઘર અત્યારે તેના પર ધ્યાન આપી રહ્યું છે.
આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો?
- તમે શાંતિ જાળવો: જ્યારે બાળક હાથ ઉપાડે, ત્યારે વળતો પ્રહાર (સામું મારવું) ક્યારેય ના કરો. જો તમે પણ મારશો, તો તમે એ વાત સાબિત કરશો કે મારવું સાચું છે.
- મક્કમતાથી હાથ પકડો: તેનો હાથ પકડીને તેને એક જગ્યાએ બેસાડી દો. તેની આંખમાં જોઈને કહો, “મને મારવાની મંજૂરી કોઈને નથી. હું તારો ગુસ્સો સમજી શકું છું, પણ તારા હાથ કાબૂમાં રાખ
- તેના ‘સારા વર્તન’ ના વખાણ કરો: જ્યારે તે આખો દિવસ શાંત રહે અથવા પ્રેમથી વાત કરે, ત્યારે તેના ખૂબ વખાણ કરો. તેને સમજાશે કે પ્રેમથી વાત કરવાથી વધુ ફાયદો થાય છે.
3. લોકોના નામ બગાડવા અને ગમે તેમ બોલવું | Correcting Improper Language
મિત્રો, ઘણીવાર એવું બને છે કે બાળક અચાનક જ કોઈ વડીલનું નામ બગાડે અથવા એવા શબ્દો બોલે જે આપણે ક્યારેય તેને શીખવ્યા ન હોય. આપણને તરત જ શરમ અનુભવાય છે અને આપણે તેને બધાની સામે ખીજાવા લાગીએ છીએ. પણ શું ખીજાવું એ ઉકેલ છે?”
a. વધુ પડતી પ્રતિક્રિયા આપવાનું બંધ કરો | Stop Overreacting
જ્યારે બાળક કોઈનું નામ બગાડે અને આપણે તરત જ જોરથી ખીજાઈએ અથવા હસવા લાગીએ, ત્યારે બાળકને લાગે છે કે આ શબ્દમાં કંઈક જાદુ છે! તેને મજા આવવા લાગે છે. મેં નક્કી કર્યું કે જ્યારે એ આવું કંઈ બોલે ત્યારે હું કોઈ જ એક્સપ્રેશન નહીં આપું. જ્યારે તેને પ્રતિસાદ મળવાનું બંધ થયું, ત્યારે તેની મજા પણ ઓછી થઈ ગઈ. જો બાળક બધાની સામે કોઈનું નામ બગાડે, તો તેને ત્યાં જ મારવા કે ખીજાવાને બદલે શાંતિથી તેનો હાથ પકડો અને તેને બાજુમાં લઈ જઈને કહો કે ‘આપણે આ વિશે ઘરે જઈને વાત કરીશું’. લોકોની વચ્ચે તેને અપમાનિત કરવાથી તે વધુ જીદ્દી બનશે.”
b. શબ્દનો અર્થ અને ગંભીરતા સમજાવો | Explain the Impact
મેં મારા દીકરાને એકાંતમાં બેસાડીને પૂછ્યું, તને ખબર છે તું જે બોલ્યો એનો અર્થ શું થાય? જો કોઈ તારું નામ આ રીતે બગાડે તો તને કેવું લાગશે? જ્યારે બાળકને સમજાય છે કે તેના શબ્દોથી સામેની વ્યક્તિને દુઃખ થાય છે, ત્યારે તે વિચારીને બોલતા શીખે છે.
c. ‘ખરાબ શબ્દ’ ના બદલામાં ‘સારો શબ્દ’ શીખવો | Teach good Words
બાળકો ઘણીવાર સ્કૂલ કે મિત્રો પાસેથી આવા શબ્દો શીખતા હોય છે. મેં તેને સમજાવ્યું કે જો તારે કોઈના પર ગુસ્સો કાઢવો હોય તો તું “મને તારી વાત નથી ગમી” એમ કહી શકે છે, પણ નામ બગાડવું એ બહાદુરી નથી.
d. ઘરનું વાતાવરણ ચેક કરો | Check the Home Environment
બાળક આપણો અરીસો છે. જો આપણે ઘરમાં કોઈના વિશે મજાકમાં પણ ખરાબ બોલતા હોઈશું, તો બાળક એ જ શીખશે. એટલે મેં પહેલા મારી બોલવાની રીત સુધારી.
4. જમવામાં નખરા અને સવારે ઉઠવાની જીદ | Picky Eating and Morning Routine
“મિત્રો, ૮ વર્ષના બાળકની બીજી બે મોટી તકલીફો હોય છે: એક તો એ બધા શાકભાજી નથી ખાતું અને બીજું કે સવારે સ્કૂલ જવા માટે વહેલું નથી ઉઠતું. માટે મેં નીચે મુજબના Child Behavior Tips in Gujarati પ્રયોગો કર્યા
a. જમવામાં નખરા | Handling Picky Eaters
જો તમારું બાળક ફક્ત બટેટા, મગ અને ગોળ-રોટલી જ ખાય છે, તો તેને ‘હેલ્ધી’ ખાવાની આદત પાડવા માટે આ ટ્રિક્સ વાપરો:
- મિક્સ કરવાની કળા (Sneak Technique): જો એ બીજા શાક નથી ખાતું, તો તેને પરાઠા’ કે ‘થેપલા’ માં છૂપી રીતે નાખી દો. જેમ કે દૂધી કે પાલકને ક્રશ કરીને લોટમાં મિક્સ કરી દો. તેને ખબર પણ નહીં પડે અને પોષણ મળી જશે.
- પસંદગી આપો: તેને એમ ના પૂછો કે “શું ખાવું છે?”, પણ બે વિકલ્પ આપો: “આજે ટીંડોળાનું શાક બનાવવું કે ફલાવરનું?”. જ્યારે બાળક પોતે પસંદગી કરે છે, ત્યારે તે નખરા ઓછા કરે છે.
- ગોળ સાથે શરૂઆત: અત્યારે ભલે એ ગોળ સાથે શાક ખાય, પણ શરત એટલી રાખો કે રોજ એક નવું શાક ચાખવું તો પડશે જ. ધીમે ધીમે તેની જીભને નવા સ્વાદની આદત પડી જશે.
b. સવારે ન ઉઠવાની જીદ: ઊંઘનું ચક્ર સુધારો | Improving the Sleep Cycle
બાળક સવારે ત્યારે જ જીદ કરે જ્યારે તેની ઊંઘ પૂરી ન થઈ હોય અથવા તેને સવારના કામ ‘બોરિંગ’ લાગતા હોય.
- વહેલા સૂવાની આદત: ૮ વર્ષના બાળકને ૯ થી ૧૦ કલાકની ઊંઘ જોઈએ. જો એ રાત્રે મોડો સૂતો હોય તો સવારે ક્યારેય પણ ખુશીથી નહીં ઉઠે. રાત્રે ૯:૩૦ સુધીમાં ફોન-ટીવી બંધ કરી તેને સુવડાવી દો.
- સવારની મસ્તી (Morning Challenge): સવારે ઉઠાડવા માટે તેની સાથે ‘રેસ’ લગાવો. “જોઈએ આજે કોણ વહેલું બ્રશ કરે છે, મમ્મી કે બેટા?”. બાળકોને આવી ચેલેન્જમાં મજા આવે છે.
- ટીવીનો લાલચ ન આપો, પણ નિયમ રાખો: તેને કહો કે “જો તું સવારે જીદ વગર વહેલો ઉઠીશ, તો જ સાંજે ટીવી જોવા મળશે.” જ્યારે તેને ખબર પડશે કે સવારની જીદની અસર તેની સાંજની મજા પર પડશે, ત્યારે તે જાતે સુધરશે.
5. પેકેટ ફૂડ અને બહારનું જંક ફૂડ કેવી રીતે બંધ કરાવવું? | Stopping Junk Food Habit
મિત્રો, ઘણીવાર આપણે કામમાં હોઈએ કે બાળક રડતું હોય એટલે આપણે તેને ચિપ્સનું પેકેટ કે બિસ્કિટ આપી દઈએ છીએ. પણ આ આદત તેને કુપોષણ તરફ લઈ જાય છે. મેં મારા ૮ વર્ષના બાળક માટે નીચે મુજબના કડક પણ પ્રેક્ટિકલ નિયમો બનાવ્યા છે:”
a. “જો દેખાશે નહીં, તો મન થશે નહીં” | Out of Sight, Out of Mind
સૌથી પહેલો નિયમ: ઘરમાં પેકેટ ફૂડ લાવવાનું જ બંધ કરો. જો તમારા રસોડાના ડબ્બામાં વેફર કે બિસ્કિટ હશે, તો બાળક તેની જ જીદ કરવાનું છે. જ્યારે ઘરમાં હશે જ નહીં, ત્યારે તેની પાસે ઘરનો નાસ્તો ખાવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે.
b. પેકેટના ગેરફાયદા તેને સમજાવો | Educate Them
૮ વર્ષનું બાળક ઘણું સમજુ હોય છે. તેને ડરાવવાને બદલે ‘એજ્યુકેટ’ કરો. તેને પેકેટની પાછળ લખેલા અઘરા શબ્દો વંચાવો.તેને કહો કે “આ ખાવાથી તારું મગજ અને શરીર નબળું પડશે. તેને સમજાવો કે આ પેકેટમાં જે કેમિકલ, પ્રિઝર્વેટિવ્સ અને વધુ પડતું મીઠું (Sodium) છે, તે તેના નાજુક પેટને કેવી રીતે નુકસાન કરી શકે છે.
મગજ અને શરીર પર અસર: તેને પ્રેમથી કહો કે, “બેટા, જો તું આ રોજ ખાઈશ તો તારું મગજ અને શરીર નબળું પડશે, તું ભણવામાં કે રમતમાં બીજા બાળકો જેવો પાવરફુલ નહીં રહી શકે.” જ્યારે બાળકને ખબર પડે છે કે આ વસ્તુ તેને નબળો બનાવી રહી છે, ત્યારે તે પોતે જ તેનાથી દૂરી બનાવવાનું શરૂ કરે છે.
c. હેલ્ધી વિકલ્પો આપો | Healthy Swapping
તમારે પેકેટ ફૂડની જગ્યાએ તેના જેવો જ ટેસ્ટી પણ હેલ્ધી નાસ્તો આપવો પડશે:
- ચિપ્સના બદલે: ઘરે બનાવેલી બટેટા કે કેળાની વેફર અથવા શેકેલા મખાના.
- બિસ્કિટના બદલે: મમરા, પૌઆ કે ખાખરા.
- ચોકલેટના બદલે: ગોળ-પાપડી કે ડ્રાય ફ્રૂટ્સ.
d. ‘ચીટ ડે’ નક્કી કરો | Weekly Cheat Day
એકદમ બંધ કરવાથી બાળક વધુ જીદ કરશે. એના બદલે અઠવાડિયામાં એક દિવસ (દા.ત. રવિવાર) નક્કી કરો જ્યારે તેને તેની મનપસંદ એક વસ્તુ ખાવા મળશે. આનાથી તેને આખું અઠવાડિયું શિસ્તમાં રહેવાની પ્રેરણા મળશે.
e. ભૂખ લાગે ત્યારે જ વિકલ્પ આપો | Offer Options Only When Hungry
જ્યારે બાળક કહે કે “મારે વેફર ખાવી છે,” ત્યારે તેને કહો કે “પહેલા આ ફળ ખાઈ લે, પછી વિચારીશું.” ઘણીવાર ફળ ખાધા પછી તેની ભૂખ સંતોષાઈ જાય છે અને પેકેટની જીદ આપોઆપ ઓછી થઈ જાય છે.
નિસ્કર્ષ | Conclusion
“મિત્રો, આ બધું વાંચીને તમને થતું હશે કે ‘કહેવું સહેલું છે પણ કરવું અઘરું છે, મારો છોકરો તો બહુ જ જીદ્દી છે.’ મને પણ શરૂઆતમાં એવું જ લાગતું હતું. પણ યાદ રાખજો, જે વસ્તુ વર્ષોથી ચાલી આવતી હોય એ એક દિવસમાં નહીં બદલાય. કોઈપણ નવી આદત પાડતા કે જૂની આદત છોડાવતા ઓછામાં ઓછા ૨૧ દિવસ લાગે છે. શરૂઆતમાં તમારું બાળક વધુ જીદ કરશે, વધુ રડશે, પણ જો તમે હિંમત હારીને ફરીથી પેકેટ ફૂડ આપી દેશો કે હાથ ઉપાડી લેશો, તો તમે હારી જશો. તમારે મક્કમ રહેવું પડશે. આજે તમે ટીવીમાં ટાઈમર સેટ કરશો તો કદાચ બે દિવસ એ બૂમો પાડશે, પણ ત્રીજા દિવસે એ સમજી જશે કે હવે દાળ ગળવાની નથી. આ ફેરફાર રાતોરાત નહીં, પણ ધીમે-ધીમે આવશે.
Disclaimer:
આ માહિતી માત્ર સામાન્ય માર્ગદર્શન માટે છે. સેવાઓ સમયાંતરે બદલાઈ શકે છે. યાદી માત્ર લેખક ના અભિપ્રાય પર આધારિત છે, તેનું ક્રમ શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરતું નથી.
તમને અમારી આ Child Behavior Tips in Gujarati માહિતી ગમી હોઈ તો અન્ય બાળકો અને રાજકોટ રિલેટેડ બ્લોગ માટે અહીં ક્લિક કરો.



